આકાશ ને થીંગડું મારી શકાય?
હમણાં એક કેમ્પ દરમિયાન અમુક આંગણવાડી ના બાળકો ને જોવા જવાનું થયું. આ આંગણવાડી કોઈક સમાજસેવી સંસ્થા દ્વારા ચલાવવા માં આવે છે, જ્યાં આવતા વધુ ભાગના બાળકો ના માતા પિતા શહેર માં ચાલતા બાંધકામ માં મજૂરી કરે છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ગગનચુંબી સુપર લક્ઝુરિયસ થ્રી બીએચકે ફોર બીએચકે એપાર્ટમેન્ટ ના જંગલ નીચે સમાયેલું છે એક અજાણ્યું અમદાવાદ. જેમાં છે ભૂખ્યા બાળકો ના પેટની હાય. બીમાર ભઈલા ને કાખ માં તેડી ને ફરતી દીકરી નું દર્દ. કમાવા માટે પોતાના છ મહિના ના બાળક ને ભૂખ્યું મૂકી ને કામે જતી માતાના મુખમાંથી નીકળતો એક ધીમો ડુંસ્કો .
હા આ એ અમદાવાદ છે જે બહારથી દેખાતું નથી એટલા માટે નહીં કે નાનું છે, પણ એટલા માટે કેમ કે ખૂબ કદરૂપું છે. આ અમદાવાદ કે જે શહેરી જીવન ની ઝાકઝમાળ ઉપર કાળુ ડીબાંગ ધબ્બો છે.
આ એ બાળકો છે જેમને બચપણ જીવવાનો મોકો મળ્યો નથી .
જેનું બચપણ લૂંટી લેવામાં આવ્યું છે, મોંઘી મોંઘી ગાડીઓ માં ફરવા વાળા માલેતુજારો દ્વારા.
આ બાળકો ને રમવા માટે નથી રમકડાં કે નથી શહેર ના બીજા બાળકો ને મળે એવા પ્લે ગ્રાઉન્ડ.
આ બાળકો ને તો રમવાનું છે રેતી ના ઢગલા માં ,સિમેન્ટ ની થેલી ઓ ના પાથરણાં ઉપર, બરછટ કાંકરીઓ ના ભરેલા તગારાઓ પર.
આ બાળકો ના માતા પિતા, જે આવ્યા એ ભારત ના અત્યંત દુર્ગમ પ્રદેશમાંથી. બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ ઓરિસ્સા.
અને ગુજરાત માં ગોધરા થી. પંચમહાલ થી ડાંગ ના જંગલો થી.
આ બાળકો માં મે જોયા હૃદય ની બીમારી થી પીડિત બાળકો, એક બાળક જેનો હાથ દાઝી ગયો હતો પણ એની માં પાસે એને દવાખાને લઇ જવા માટે પૈસા ના હતા. દરેક બાળક કુપોષિત, દરેક બાળક ને એનેમિયા, દરેક ને કૃમિ ની તકલીફ.
એક બાળક જેને જન્મજાત આંખ વાંકી હતી, એક ને ડોક વાંકી ને એક બાળકી જેને ટીબી ના ચોક્ક્સ લક્ષણો દેખાતા હતા
પૂછતા ખબર પડી કે આ બાળકો ની માતા ઓ તો એમની સાથે રહી જ નથી શકતી, કેમ કે કમાવા નહિ જાય તો ખાશે શું?
બાળકો તો બિચારા આંગણવાડી ની બહેનો ની દયા ના ભરોસે બેસી રહે. બિચારી કાર્યકર એને મળતા ટૂંકા પગાર માં આ બાળકો મમરા - ચણા ને ખીચડી ખવડાવી ને સમય પસાર કરે. આમાં ક્યાં થી બને ગોલ્ડ મેડલ લાવનારું ભારત ?
હું કેટલી દવાઓ આપુ ? હું કેટલી સલાહો આપુ ?
વસ્ત્ર ફાટ્યું હોય તો એને થીંગડું મારી શકાય, અહી તો આખું આભ જ ફાટેલું છે. હું કેટલા થીંગડા મારું ?
Like button add please.
ReplyDeleteSure I will check on it.
DeleteYou will have to do something. I have high hopes from you.
ReplyDelete